કાવા સાથેની ખારવા સમાજની વર્ષોથી એક પરંપરા પણ જોડાયેલ છે. પોરબંદરમાં મોટી સંખ્યામાં ખારવા સમાજ ના લોકો વસવાટ કરે છે. ખારવા સમાજમાં સમાજના 9 ડાયરા (જ્ઞાતિના આગેવાનોના સમૂહ જેમાં એક પટેલ હોય છે) હોય છે. તમામ ડાયરાના પ્રમુખને 'વાણોટ' કહેવાય છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં 3 માસ સુધી ચોક્કસ સ્થળો પર ડાયરા ભરાય છે. જેમાં સમાજના આગેવાનો સવારે 6 વાગ્યે ડાયરામાં બેસીને કાવો પીવે છે અને સમાજ ના વિકાસ અને સમસ્યા અંગે ચર્ચા કરે છે.
ઉપરાંત ખારવા સમાજના કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો બેસણામાં પણ લોકોને કાવો પીવડાવવામાં આવે છે. પરિવારજનના મૃત્યુ થયુ હોવાથી શોકમાં પરિવારના લોકો 13 દિવસ સુધી ટોપી પહેરે છે અને બેસણા સમયે અલગ પ્રકારનો કાવો પિરસવામાં આવે છે. આ કાવામાં ખાંડ ઉમેરાતી નથી અને વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે તેમ ખારવા સમાજના લોકોએ જણાવ્યું હતું. અહીં ચોપાટી પર વેચાતો કાવો પણ વખણાય છે. કેટલાય લોકો વર્ષો બાદ વિદેશમાં વસતા પોરબંદરના લોકો કાવો પીવાના દ્રશ્યો ને કચકડે કંડારેલી યાદોને જીવનભર સાચવી રાખે છે પરિવાર સાથે અથવા મિત્રો સાથે આવેલા લોકો પણ અહીં કાવાનો ઘૂંટ મારતા હોય છે.
ચોપાટી પર બેસી કાવો વેચનારાઓ સગડી, મરી-મસાલા સાથે તાંબાની કીટલીમાં કાવો ભરીને દરરોજ સાંજે સાડા પાંચ વાગ્યે ચોપાટી પર કાવો વેંચવા આવી જાય છે. પહેલા પાંચ પૈસાની એક પ્યાલી વેચાતો પણ આજે ભાવ 15 રૂપિયા જેટલો છે. અહીં ગરીબથી માંડી ને શ્રીમંત લોકો પણ કાવો પીવા આવે છે તો નવરાત્રી માં અને શિયાળા ની ઋતુ માં લગ્ન પ્રસંગો માં રજવાડી થીમ પર પાર્ટી પ્લોટ માં યોજાતા લગ્ન સમારોહમાં પણ કાવો પીરસાય છે. કાવાથી શરદી, ઉધરસ, કફ, ગેસ, વાયુ અને કબજિયાતમાં પણ રાહત આપાવે તેવો છે અને તે ઠંડીથી પણ બચાવે છે. આથી જ કહેવાયું છે કે, તંદુરસ્તી કી રક્ષા કરતા હે "કાવા". કાવામાં બુંદદાણા, મરી, આદુ, લીંબુ અને નમક બધાને સ્વાદ અનુસાર ભેળવીને ઉકાળવામાં આવે તો કાવો સારો બને છે તેથી જ તો એ અમૃત પણ કહેવાયું છે.